આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો.
હું જ્યારે લાઘવિકા લખી રહી હતી ત્યારે શબ્દો ૧૫૦થી વધી ગયા અને શબ્દો જ્યારે ઘટાડવાની કોશિશ કરવા લાગી ત્યારે ભીતરથી એક પ્રેરણા થઈ કે "આ વાર્તા શબ્દો ઘટાડવા માટે નહીં, પરંતુ શબ્દો વધારવા માટે જન્મી છે!" આ લાઘવિકા ખરેખર એક નવલકથા માટે જ જન્મી હતી. ત્યારબાદ આ લાઘવિકાને નવલકથા સ્વરૂપે લખવાની તડામાર તૈયારી મેં હાથ ધરી. ૧૯મી ડિસેમ્બરે શરૂ કરેલી લાઘવિકા તો મેં ૨૧ ડિસેમ્બરે પૂરી...